1971ના યુદ્ધમાં પાકિસ્તાનનો સજ્જડ પરાજય, 1975માં કટોકટીને પગલે આપખુદ
શાસન, 1977 અને 1980ની
ભારતના ઇતિહાસની સીમાચિન્હ સમી ચૂંટણીઓ અને તેમાં
ઇન્દિરાજીએ ભજવેલી ભૂમિકાના સારાં-નરસાં પાસાંની છણાવટ અને વિવાદ ભારતીય
રાજકારણના ઇતિહાસમાં સતત ચર્ચાતા રહ્યા છે. કચ્છને સંબંધ છે ત્યાં સુધી
બંધારણની કલમ 371(2) હેઠળ કચ્છ વિકાસ બોર્ડની રચનાના
ત્રણ-ચાર દાયકાથી ચર્ચાતા પ્રશ્નના કેન્દ્રમાં
ભૂતપૂર્વ સાંસદ ડો. મહિપત મહેતાની સાથે ઇન્દિરા
ગાંધીને પણ યાદ કરાય જ છે. અત્યારે એમની શતાબ્દીનું વર્ષ ચાલે છે ત્યારે
1981ના ઓગસ્ટ મહિનાની 18 તારીખે
કચ્છના પત્રકારો મહિલા વડાપ્રધાનને સંસદ
ભવનની તેમની ઓફિસમાં મળ્યા એ પ્રસંગ યાદ આવે છે. 'છ
પત્રકાર અને એક આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત
તસવીરકાર મળીને સાત જણની ટીમને ડો. મહેતા દિલ્હી
લઇ ગયા હતા. આ સાતમાંથી એકમાત્ર આ લખનાર અત્યારે હયાત છે. તો એ સમયે ડો.
મહેતાના અડીખમ સાથી તરીકે દિલ્હી સાથે ચાલેલા ત્રણ અગ્રણીઓમાંથી પણ માત્ર
એક જણ હયાત છે. ડો. મહેતાએ આજે નથી ત્યારે 1981ના
ઓગસ્ટ મહિનાના `કચ્છમિત્ર'માં
મોટા મથાળે પ્રસિદ્ધ થયેલા હેવાલોના આધારે એ પ્રસંગ અને ઇન્દિરાજીને
યાદ કરીએ એ પહેલાં વિકાસ બોર્ડ અને કચ્છના પત્રકારો વિશે થોડુંક
જાણી લઇએ. 'બંધારણીય કચ્છ વિકાસ બોર્ડની માગણી
પાછળનો મુદ્દો-ધ્યેય વિકાસને લગતો છે. કચ્છ એક સમયે
સ્વતંત્ર રાજ્ય હતું. આઝાદી પછી કેન્દ્રશાસિત
`ક' વર્ગનું
રાજ્ય બન્યું. પણ આઠ વર્ષ પછી 1956માં દ્વિભાષી મુંબઇ
રાજ્ય અને 1960માં મહાગુજરાત સાથે એને જોડી દેવાતાં
કચ્છનું વજુદ એક રાજ્યમાંથી જિલ્લામાં સંકોચાઇ ગયું.
બદલાતી રાજવ્યવસ્થા સામે ડો. મહેતા સહિતના
કેટલાક કચ્છી અગ્રણીઓને વિરોધ હતો. વિરોધ હોય એ સ્વાભાવિકે છે કારણ કે
કચ્છ જેવી એક અલગ સંસ્કૃતિ અને પરંપરા ધરાવતા પ્રદેશને કોઇ અન્ય પ્રદેશ સાથે
જોડી દેવાય તો એની અસલિયતને આંચ આવે. રાજ્યોની પુન:રચના '50ના દાયકામાં
થઇ ત્યારે કચ્છ જેવા બીજાયે કેટલાક પ્રદેશો હતા કે જેમને અન્ય રાજ્યોમાં
ભેળવી દેવાતાં અસંતોષ વ્યક્ત થયો હતો. સાચું પૂછો તો આ પ્રકારની વિરોધી
લાગણીને લીધે જ કેન્દ્ર સરકારે રાજ્યોની પુન:રચના કરતાં પહેલાં આવા વિસ્તારો
માટે બંધારણની કલમ 371(2) હેઠળ અલગ વિકાસ બોર્ડ રચવાની જોગવાઇ
કરી હતી. આ મુજબ કોઇ વિસ્તારને કે નાના
પ્રદેશને એમ લાગે કે નવા રાજ્યમાં જોડાયા
પછી પોતાનો ઇચ્છિત-સમતોલ વિકાસ થયો નથી તો એ સ્વાયત્ત વિકાસ બોર્ડ માગી
શકે. આ બોર્ડ રાજ્યપાલના સીધા વડપણ હેઠળ કામ કરે. મતલબ કે કેન્દ્ર સરકારના
પ્રતિનિધિ તેના પર નજર રાખે. એક અર્થઘટન અનુસાર વિકાસ માટે જરૂરી નાણાંયે
કેન્દ્ર દ્વારા એને સીધી રીતે મળે. કેટલાક લોકો આ જોગવાઇને રાજ્યની અંદર
રાજ્ય સમાન માને છે. આ પ્રકારના અર્થઘટન અનુસાર સ્વાયત્ત વિકાસ બોર્ડ જો કોઇ
રાજ્યમાં રચાય તો એના પર રાજ્ય સરકારનો કોઇ અંકુશ ન રહે. તેથી રાજ્ય
સરકારો અને ખાસ તો મુખ્યમંત્રી આવી જોગવાઇની તરફેણ ન કરે અને જો મુખ્યમંત્રી
કે રાજ્ય સરકાર ભલામણ ન કરે તો વિકાસ બોર્ડ રચી શકાય નહીં. કચ્છ
વિકાસ બોર્ડ રચી શકાયું નથી એનું મુખ્ય કારણ જ આ છે એમ જે તે સમયે બનેલી
ઘટનાઓ સૂચવી જાય છે. 'અર્થઘટનની ગૂંચવણને બાજુએ મૂકીને
માત્ર ઇતિહાસ પર નજર કરીએ તો કચ્છ માટે વિકાસ
બોર્ડ જન્મ પહેલાં જ મૃત્યુ પામેલા બાળક જેવું
છે. અખબારી સેન્સરશિપ સહિતના કારણે આપખુદ શાસન તરીકે કુખ્યાત એવા કટોકટી
કાળમાં કચ્છ વિકાસ બોર્ડની રચનાની તક વહેંત છેટી હતી અને છીનવાઇ તે આજ
સુધી પાછી નથી આવી. બૂંદ સે ગઇ વો હોજ સે નહીં આતી જેવો તાલ થયો છે. જો કે
કટોકટીના એ અંતિમ દિવસો હતા. કટોકટી સામેનો વિરોધ પ્રબળ બની રહ્યો હતો. એવા
સમયે ડો. મહેતાની રજૂઆતને ધ્યાને લઇને વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ કચ્છ વિકાસ
બોર્ડની રચનાને લીલીઝંડી આપી અને રાષ્ટ્રપતિએ વટહુકમ પર હસ્તાક્ષરે કર્યા.
12મી ડિસેમ્બર 1976ના રોજ
મુંબઇમાં ડો. મહેતાના નેતૃત્વ હેઠળ વિશ્વ કચ્છી
પરિષદનું જબ્બર આયોજન થયું. આ કાર્યક્રમમાં હાજર રહીને વડાપ્રધાન ઇન્દિરા
ગાંધી કચ્છ વિકાસ બોર્ડની રચનાની જાહેરાત કરવાના હતા. પણ, 11મી ડિસેમ્બરે
(આગલા દિવસે) મહારાષ્ટ્રના રાજ્યપાલ અલિયાવર જંગનું અવસાન થયું. ઇન્દિરાજી
સ્વાભાવિક રીતે જ ન આવ્યા અને વિશ્વ કચ્છી પરિષદ નિરર્થક બની ગઇ. 1976નો
ડિસેમ્બર મહિનો હતો. '77ના આરંભે લોકસભાની સામાન્ય ચૂંટણીઓની જાહેરાત
થઇ. વિરોધ પક્ષો એક થયા અને જનતા પક્ષ રચાયો. કટોકટીના શાસન વિરોધી વંટોળે
ઇન્દિરા કોંગ્રેસને મતદારોએ જાકારો આપ્યો. નવી જનતા સરકારે વિકાસ બોર્ડ
સંદર્ભેના વટહુકમને કાયદામાં પલટાવવાનું ટાળ્યું તેથી તે રદ્ થયો. જન્મ
પહેલાં જ મૃત્યુ થયું. 'પણ, જનતા
પક્ષની સરકાર લાંબું ચાલી નહીં. આખરે 1980ના
જાન્યુઆરીમાં ઇન્દિરા ગાંધી પુન: સત્તા પર આવ્યા. ડો. મહેતા એમના નિકટના
સાથી હતા. કોંગ્રેસના ઐતિહાસિક ભાગલા વખતે તેઓ ઇન્દિરાજીની પડખે રહ્યા
હતા. પણ ગુજરાતમાં માધવાસિંહ સોલંકીના નેજા હેઠળની કોંગ્રેસી સરકાર સ્વાયત્ત-બંધારણીય
કચ્છ વિકાસ બોર્ડની રચનાની ભલામણ કરવા તૈયાર નહોતી. તેથી ડો.
મહેતા શરૂઆતમાં તેમનો આંતરિક રીતે વિરોધ કરતા રહ્યા પણ પાછળથી સીધો-ખુલ્લો
વિરોધે કરતા રહ્યા હતા. ઇન્દિરાજીની નજીક હોવાના કારણે ડો. મહેતા
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ સુદ્ધાં બન્યા હતા અને ગુજરાતના
રાજ્યસભાના સભ્યની ચૂંટણી વખતે તેમના ભાણેજ કિશોરચંદ્ર મહેતા પર કોંગ્રેસે
પસંદગીનો કળશ ઢોળતાં તેઓ ચૂંટાઇ આવ્યા હતા. કિશોરભાઇની રાજ્યસભાના
સભ્ય તરીકેની સોગંધવિધિના પ્રસંગે કચ્છના પત્રકારોને ડો. મહેતા દિલ્હી
લઇ ગયેલા ત્યારે ઇન્દિરાજી સાથે મુલાકાત થઇ તેમાં આ લખનારે સામેલ હતા. 'અન્ય
પત્રકારોમાં `કચ્છમિત્ર'ના
તંત્રીપદેથી નિવૃત્ત થયા પછી વ્યંગ-કટાક્ષાત્મક
લોકપ્રિય કટાર લખતા નવીનચંદ્ર અંજારિયા, પોતાના
એકએક હેવાલમાં ચારણી શૈલીની છાંટ આપનાર
યુ.એન.આઇ. સમાચાર સંસ્થાના પ્રતિનિધિ મહેશભાઇ
ગઢવી, ગાંધીધામ-કંડલા સંકુલમાં ફ્રી ટ્રેડ
ઝોનમાં ચાલતા કૌભાંડોનો પર્દાફાશ કરનાર નવીનભાઇ મહેતા, ઇન્ડિયન
એક્સપ્રેસના પાલનપુર ખાતેના પ્રતિનિધિ
સનત મહેતા, કચ્છમાં દાણચોરી સહિતની ખતરનાક
પ્રવૃત્તિઓ અંગે પોતાના ખુફિયા સોર્સના આધારે
સનસનીખેજ હેવાલ બેધડકપણે પ્રસિદ્ધ કરનાર `પાંજો
કચ્છ' અઠવાડિકના તંત્રી-માલિક ભુજંગી શાહ
અને રણના બેટ પરની સુરખાબ નગરીની તસવીરો માટે વિશ્વભરમાં
ખ્યાતિ મેળવનાર એલ.એમ. પોમલ ઇન્દિરાજીને મળેલી
પત્રકાર ટીમમાં સામેલ હતા. ઉપરાંત ડો. મહેતાના સાથીઓ રાજ્યસભાના સભ્ય કિશોર
મહેતા, કુમાર શાહ અને ધારાસભ્ય મોહનભાઇ શાહે
હતા. 'દિલ્હી રોકાણ દરમ્યાન
પત્રકારોએ વડાપ્રધાન ઉપરાંત અન્ય સિનિયર પ્રધાનો સાથેના ડો. મહેતાના
સંબંધો-પ્રભાવનો પરિચય થયો. અમે ત્રણ દિવસ દરમ્યાન ઇન્દિરાજી ઉપરાંત
છ કેબિનેટ કક્ષાના પ્રધાનોને મળ્યા જેમાં માહિતી પ્રધાન વસંત સાઠે, વાણિજ્ય
પ્રધાન પ્રણવ મુખરજી, રેલવે પ્રધાન કેદાર પાંડે, મુલ્કી
ઉડ્ડયન ખાતાના પ્રધાન એ.પી. શર્મા, સંદેશા
વ્યવહાર પ્રધાન સી.એમ. સ્ટીફનનો સમાવેશ થાય
છે. આ મુલાકાતો દરમ્યાન કચ્છ વિષયક પ્રશ્નો અમે પૂછ્યા અને પ્રધાનોએ નિખાલસતાથી
જવાબ આપ્યા. 'પાકિસ્તાનના ટીવી માધ્યમથી થઇ રહેલા
સાંસ્કૃતિક આક્રમણના પ્રશ્ને વસંત સાઠેએ કચ્છમાં
ટેલિવિઝન રિલે સ્ટેશન સ્થાપવાની ખાતરી આપેલી
તો રેલવે પ્રધાન કેદાર પાંડેએ ગાંધીધામ-ભુજ બ્રોડગેજ વિસ્તરણની સાથે સાથે
ભુજ-નલિયા મીટરગેજ રેલવે યોજનાનીયે જાહેરાત કરતાં કચ્છ માટે એ મોટા સમાચાર
બન્યા હતા. પણ ઇન્દિરાજીની મુલાકાત અમારા માટે એક યાદગાર નજરાણું બની
ગઇ. સંસદ ભવન એની ચહલપહલથી ધમધમતું હતું. એ સમયે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન
અબ્દુલ રહેમાન અંતુલે સામે સિમેન્ટ કૌભાંડે વાવાઝોડું સર્જી દીધું
હતું. તેમનું રાજીનામું કોઇ પણ ઘડીએ આવે એવી શક્યતાઓ હતી. ઇન્દિરાજીની
ઓફિસ બહારના વેઇટિંગ રૂમમાં અંતુલેજી ગંભીર મુદ્રામાં બેઠા હતા.
સાથે મહારાષ્ટ્રના અન્ય નેતાઓનો જમેલો હતો. ડો. મહેતાએ ઇન્દિરાજીને મળવા
માટે કોઇ સમય અગાઉથી લીધો નહોતો. પણ વેઇટિંગ રૂમમાં અમે પ્રવેશ્યા કે તરત જ
ડો. મહેતા સેક્રેટરીને મળ્યા, કાંઇક કહ્યું અને પાંચ મિનિટમાં અમે વિશાળ
ખંડમાં પ્રવેશ્યા. જોયું તો સામે મોટી ટેબલ પાસે વડાપ્રધાન બેઠા હતા. કોઇ
કાગળ વાંચતા હતા. પારદર્શક ગુલાબી ફ્રેમના ચશ્મામાંથી અમારા સામે જોયું
તો એમની પ્રભાવશાળી મોટી આંખોમાં અનેરી ચમક દેખાઇ. `આઇયે
ડોક્ટર...' બોલીને તેમણે આવકાર આપ્યો. એમના
શબ્દોમાં ભાવ હતો. પરિચય કરાવાયો. એલ.એમ. પોમલનો
વારો આવ્યો અને સુરખાબ સહિતની તસવીરો તેઓ સાથે લાવ્યા છે એવું જાણતાં
જ તેમણે કહ્યું `બતાઇયે ના...' 'પોમલભાઇ
ઊઠીને એમની નજીક ઊભા રહી તસવીરો બતાવવા લાગ્યા. આતુરતાપૂર્વક
તસવીર નિહાળતાં નિહાળતાં વડાપ્રધાન સવાલોયે
કરતા રહ્યા હતા. ખાસ તો કચ્છની રબારી કે જત કોમની સ્ત્રીઓની તસવીરો જોતી
વખતે એમના વિશિષ્ઠ પહેરવેશ અને આભૂષણો વિશે સતત પૃચ્છા કરતા રહ્યા. જવાબમાં
ડો. મહેતા કચ્છની અનોખી જીવનશૈલીનું વર્ણન કરતા. કચ્છના અખાતમાં આવેલા
પિરોટન ટાપુ પરની અજીબ જીવસૃષ્ટિની તસવીરો જોઇને ઇન્દિરાજી ખુશ થઇ ગયા.
પણ અમે પત્રકારોએ જ્યારે એમ કહ્યું કે, આ
ટાપુના કુદરતી સૌંદર્ય પર સિમેન્ટના કારખાનાઓએ જોખમ ઊભું કરી
દીધું છે ત્યારે તરત જ કહી દીધું `આવી પ્રવૃત્તિ
બંધ થવી જોઇએ.' 'આ બધી વાતોમાં બાર મિનિટ પસાર થઇ ગઇ.
અમારો પંદર મિનિટની મુલાકાતનો સમય પૂરો થવામાં
હતો. તેથી અમને ઉચાટ હતો કે કચ્છના પ્રશ્નોની
વાત ક્યાંક અધૂરી ન રહી જાય ! પણ ત્યાં જ એમનેય આ વાત યાદ આવી હશે કે
કેમ પણ તેમણે ચશ્માં ઉતારીને ટેબલ પર મૂક્યા. અમારી સામે જોયું અને બોલ્યા
`કહીયે...' અને
અમે પ્રશ્નોની ઝડી વરસાવી દીધી. એ વખતે ડો. મહેતા વિરોધી
જૂથે એવો આક્ષેપ કર્યો હતો કે સ્વાયત્ત વિકાસ બોર્ડની માગણી પડતી મૂકવાની
શરતે કચ્છના સાંસદે પોતાના ભાણેજ કિશોર મહેતાને રાજ્યસભાની બેઠક અપાવી
છે. આ અંગેના અમારા પ્રશ્નોના જવાબમાં ઇન્દિરાજીએ સ્પષ્ટ શબ્દોમાં કહી
દીધેલું કે `આ વાત સાવ ખોટી છે. કચ્છને લાંબા
સમયથી રાજ્યસભામાં પ્રતિનિધિત્વ નહોતું અપાયું એ વાત
ધ્યાનમાં રાખીને જ કિશોર મહેતા પર પસંદગીનો
કળશ ઢોળાયો હતો. વિકાસ બોર્ડને એની સાથે કોઇ સંબંધ નથી.'' તો પછી વિકાસ
બોર્ડ કેમ મંજૂર થતું નથી એવું પૂછવામાં આવતાં ક્ષણનોયે વિલંબ કર્યા વિના
તેમણે કહ્યું, ``વર્તમાન ગુજરાત સરકાર (માધવાસિંહ
સોલંકી) આવા વિકાસ બોર્ડની ભલામણ કરવા તૈયાર નથી તેથી
પ્રશ્ન વિલંબમાં મુકાયો છે. ગુજરાત સરકાર
પોતાના અંકુશ હેઠળનું જ વિકાસ બોર્ડ આપવા માગે છે.'' 'પંદર
મિનિટને બદલે અડધો કલાક મુલાકાત ચાલી એ
દરમ્યાન ઇન્દિરાજીએ નિખાલસતાથી, સહજતાથી અમારી
સાથે વાતો કરી. પણ, વિકાસ બોર્ડ સહિતના પ્રશ્ને ડો.
મહેતા એ પછીના દિવસોમાં કોંગ્રેસ છોડી ગયા અને નવા
પક્ષની રચનામાં ભાગ ભજવ્યો એ અલગ ચર્ચાનો
મુદ્દો છે. એ જ રીતે '90ના દાયકામાં મહારાષ્ટ્ર સરકારે
પોતાની હકૂમત હેઠળના વિકાસ બોર્ડ રચ્યા તો
શંકરાસિંહ વાઘેલાની સરકાર વખતે બાબુભાઇ મેઘજી
શાહે વિકાસ બોર્ડ માટે પ્રયાસ કર્યા એની ચર્ચાયે અસ્થાને છે કારણ કે સંદર્ભ
ઇન્દિરાજીની જન્મ શતાબ્દીનો છે. 'અને એ સંદર્ભે અમારી મુલાકાતનું તારણ
કાઢીએ તો ઇન્દિરાજીના બે ચહેરા ઉપસી આવે છે. એક ચહેરો કટોકટી સમયના આપખુદ
શાસન સમયનો અને બીજો કટોકટીના જ મુદ્દે સત્તા પરથી ઊખડી ગયા પછી લોકશાહી
માર્ગે પુન: સત્તા પ્રાપ્ત કર્યા પછીનો. એક ચહેરો સર્વસત્તાધીશનો અને
બીજો લોકશાહી પ્રક્રિયાના આગ્રહનો. કટોકટી વખતે ઇન્દિરાજીએ ધાર્યું બધું જ
કર્યું હતું અને કદાચ એ જ અભિગમના ભાગરૂપે રાજ્ય સરકારની ભલામણની રાહ
જોયા વિના રાષ્ટ્રપતિ પાસેથી વિકાસ બોર્ડનો વટહુકમ બહાર પડાવ્યો હતો. પણ
સંજોગ બદલાયા, સત્તા ગુમાવવી પડી. ફરી સત્તા મેળવી
લોકશાહી માર્ગે અને સાથીઓના સહકારથી. 'કદાચ એ
લોકશાહી પરંપરામાંથી બોધપાઠ લઇને તેમણે ગુજરાત સરકારની
ભલામણનો આગ્રહ કર્યો હશે ? આ પ્રશ્ન સહેજે થાય છે, નહીંતર
તેમણે ઇચ્છયું હોત તો સીધા જ
માધવાસિંહભાઇને કહી શક્યા હોત કે વિકાસ બોર્ડની ભલામણ
મોકલી દો. `જો' અને `તો'ની વાત
છે. એક સર્વેસર્વા ઇન્દિરાજીની અને બીજી
ઠોકર ખાધા પછી ફરી બેઠા થયેલા ઇન્દિરાજીની. રાજકીય નિરિક્ષણ જેને જે કરવું
હોય એ કરે પણ વાસ્તવિક્તા એ છે કે એક સમયે હાથવેંતમાં લાગતું હતું તે વિકાસ
બોર્ડ 'મૃગજળ બની ગયું.'